આજનું બાળક વિડિયો ગેમ્સ, લેપટોપ, ગૂગલ, કોમ્પ્યુટર જેવાં ઉપકરણોથી ઘેરાયેલું રહે છે, તે યંત્રવત્ બની પારિવારિક માહોલથી દૂર થઈ રહ્યું છે. તેમને પારિવારિક માહોલમાં જોડવા એ આજના સમયે પડકારભર્યું કાર્ય છે. આ પ્રકારના વધુ પડતા નિરર્થક ઉપકરણના સંસર્ગથી બાળકને દૂર કરવા જરૂરી છે. આવી સ્થિતિએ તેમને સરસ શૈલીથી વાર્તા સંભળાવાય, વાર્તા કહેવાય તો તેમની રુચિમાં જરૂર પરિવર્તન આવી શકે. બાળકની રુચિને ઘડી શકે તેમનામાં જિજ્ઞાસા, કુતૂહલ, વિસ્મય જેવા ભાવો પ્રગટાવીને સરસ બોધ આપી શકે તેવું વાર્તાઓનું સરસ પ્રકાશન ‘વાર્તાનો રસથાળ’ નામે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીએ પ્રકાશિત કર્યું છે. જેમાં ૨૮ જેટલી બાળવાર્તાઓ સમાવવામાં આવી છે.