રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખામાં ઈતિહાસ વિષયને પણ મહત્વ આપવામાં આવ્યું છે ત્યારે આ પ્રકારના પુસ્તકમાં પ્રબુદ્ધ ભારત અને પ્રબુદ્ધ ભારતીય તેમજ શિક્ષણ, કલા-સ્થાપત્ય વિશેની બાબતો સંશોધકો, અધ્યાપકોને આપણે ત્યાં વિવિધ ઈતિહાસકારો દ્વારા લિખિત, સંસ્થાઓ, પ્રકાશકો દ્વારા પ્રકાશિત થયેલ ઇતિહાસના ગ્રંથોમાંથી મળી રહે છે. પરંતુ એ ગ્રંથોમાં જે બાબતો બહુ ઉજાગર નથી થઈ, અજાણી છે, થઈ છે તો ઓછી ઉપલબ્ધ છે તે પ્રતિપૂર્તિનું આલેખન આ પુસ્તકમાં છે. આ પુસ્તકના પ્રથમ અધ્યાયમાં ૧૬ જેટલા પ્રબુદ્ધ ભારતીય અને દ્રિતીય અધ્યાયમાં શિક્ષણ, કલા અને સ્થાપત્યનું આલેખન કરવામાં આવ્યું છે. આ પુસ્તક બાળકો, કિશોરો, ઈતિહાસના રસિકોને ધ્યાને લઈને તૈયાર થયું છે એ વાત સાચી, પરંતુ ઇતિહાસ ભણતા-ભણાવતા, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા-કરાવતા શિક્ષકો સંશોધકો, અધ્યાપકોને પણ સંદર્ભપુસ્તક તરીકે મદદરૂપ થાય તે પ્રકારની લેખન- સામગ્રી અહીં સમાવવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા પ્રગટ થયેલ આ કાર્ય સૌને ઉપયોગી બની રહેશે એવી આશા છે.